ફરી એક વાર આજે કિરણ સિંહ ચૌહાણ…
‘રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય…’
વાહ…!
સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.
ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.
બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.
તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.
જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.
– કિરણસિંહ ચૌહાણ