તમે રે તિલક રાજા રામનાં
અમે વગડાના ચંદન કાષ્ઠ
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજણ કેવા સહ્યા
તમે રે તિલક રાજા રામનાં
તમે રે ઉંચેરા ઘરના ટોડલા,
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજન કેવા સહ્યા
તમે રે તિલક રાજા રામનાં
તમે રે અક્ષર થઇને ઉકલ્યા,
અમે પલ પલ મુંઝારાજીની જીભડાં.
તમારી મશેના અમે સોહિયા
કહો ને કહો ને દખ કેવાં પડ્યાં,
કહોને સાજણા દખ કેવાં પડ્યાં.
તમે રે તિલક રાજા રામનાં
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજણ કેવા સહ્યા
રાવજી પટેલ