
નવરાત્રિમાં એક રિઝોલ્યુશન કર્યું હતું કે
પહેલા નોરતે થી સુધરી જવાનું છે
પણ એનો અમલ પહેલા નોરતે ના થયો ;
એટલે નક્કી કર્યું કે બીજા નોરતે થી કરીશું…
અને ત્યારે લખ્યું તું કે ‘બીજા નોરતે થી સુધરનારા માણસ…’
આજે એ વાતને પણ મહીના થયા…
બે દિવસ પહેલાં જ 36મું પત્યું અને 37મું બેઠું…
બધાં રિઝોલ્યુશનસ્ ત્યાંના ત્યાં જ ઊભા છે…! 😉
એટલે પછી આગળની આ બધી કડીઓ લખી છે –
કોઈ મીટરમાં કે કોઈ સેટિંગમાં નથી, ટ્રાય કર્યો પણ મેળ પડતો નથી…
પણ વાત આપણી છે – એકદમ ઓરીજીનલ मैं कौन हूं…
કવિતાઓ ગમે છે –
મરીઝ બહુ ગમે છે અને ગાલીબ પણ ગમે છે,
ફૈઝ ના દિવાના અને ફરાઝ ના પણ દિવાના,
ભાવિન ગોપાણી ગમે અને કિરણસિંહ ચૌહાણ પણ ગમે,
નુસરત થી બીટલ્સ સુધી,
કબીર થી સિનાત્રા સુધી
ને મીરા થી ફરીદ ઐયાઝ સુધી બધાંય ગમે…
ડૂબકીઓ લગાડુ છું પણ તરતા નથી આવડતું…
ગમે છે ખરું પણ પૂરું લખતા નથી આવડતું…
એટલે અમે અધુરી કળાના માણસ…
કઇં નઈ… નવું રિઝોલ્યુશન… નવાં વર્ષમાં ‘ગા લ ગા ગા’ શીખીશું…
ત્યાં સુધી – હેપી બર્થ ડે ટુ મી…
કાલથી સુધરી જવાનું છે..! પાક્કુ… 😊
……………………………………………………
બસ છેલ્લો દિવસ કહી ખેંચનારા માણસ…
અમે બીજા નોરતે થી સુધરનારા માણસ…
ગમે બધું પણ આવડે કશું પૂરું નહીં
અમે અધુરી કળાના પુરા માણસ…
એક આદમી મેં હોતે હૈ દસ-બિસ આદમી*
અમે ત્રીસ-ચાલીસ વાર બદલનારા માણસ…
ને કાગડા ની મોજ છે ને એ પણ રોજ છે*
અમે શ્વાસમાં જિંદગી ભરનારા માણસ…
કનૈયો છે જોડે એને શોધવાનું શું?
અમે આંખ મીંચી ખુદને શોધનારા માણસ…
અમે જાતને બરાબર ચોંટી રહ્યા
અમે વાતમાં થોડા ફરનારા માણસ…
અમને કશી કોઈ ઉતાવળ નથી
અમે કોઈ દિવસ મોડા ના પડનારા માણસ…
મહર્ષિ જો પૂછે કે मैं कौन हूं?*
અમે માણસ થવાના અભરખાના માણસ…
કર્યું શું – થયું શું – એ વાત હવે છોડો
અમે રોજ ડાયરીઓ ભરનારા માણસ…
તમે જાગતા હો તો એક ફોન કરજો
અમે અડધી રાતે રખડનારા માણસ…
………………………………………………
*references : Nida Fazli, story – આનંદી કાગડો, Raman Maharshi