ધાર્યા કરતાં વહેલી થઇ ગઈ – મિલિંદ ગઢવી

ઉપરની ત્રણ શેરની અદભુત ગઝલ સાથે મિલિંદ ગઢવી ની ત્રણ મસ્ત રચનાઓ…


એની આંખો માં ઉર્દુ ના કાફિયા, એના હોઠો પર ફૂલો ની ટોકરી….
એક ગાલીબ ના શેર જેવી છોકરી…
એ જો માને તો કરવી છે મારે, એનો પાલવ પકડવાની નોકરી…
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ સમુંદર ની લહેરો નું ગીત છે, એ તો ઝાકળ થી દોરેલું ગામ છે…
એ છે વગડા માં ઉગેલું ફૂલ, ને આ પગલાં શુકન નું મુકામ છે…
એને શોધે છે અંધારે આગિયા, ગુલમહોર એના સરનામા ગાય છે….
એની પાસેથી સૂરજ ના ચાકરો, થોડા સંધ્યા ના રંગો લઈ જાય છે…
એની પાસે લખાવે પતંગિયાં, મીઠા મૌસમની પહેલી કંકોત્રી…
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ તો ખુશ્બુ નો ભાવાનુવાદ છે, પ્રેમ-ગીતા નો પહેલો અધ્યાય છે…
એની મસ્તી માં સૂફી ના સુર, ને મુસ્કુરાહટ માં ફિલસૂફ વર્તાય છે…
એના ઘર માં છે ટહુકા ના ચાકડા, એના આંગણ માં વનરાગી વાયરો…
રોજ જામે છે એની અગાશીએ, ઓલા ચાંદા ને તારા નો ડાયરો…
એની વાતો ઉકેલો તો લાગશે, કોઈ ગઢવી ના છન્દો ની ચોપડી….
એક ગાલિબ ના શેર જેવી છોકરી…!


ધાર્યા કરતાં વહેલી થઇ ગઈ,
જાત સદંતર મેલી થઇ ગઈ.

મેં હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી થઇ ગઈ.

ઘેટાં પાછળ ઘેટાં ચાલ્યા,
આ સમજણ સામે રેલી થઇ ગઈ.

બે ફળિયાએ પ્રેમ કર્યો તો,
વંડીમાંથી ડેલી થઇ ગઈ.

દર્પણમાં એવું શું જોયું,
ઝમકુ ડોશી ઘેલી થઇ ગઈ….


ફેંકી દીધો ભારો જીવા
લ્યો ગાડું હંકારો જીવા

ક્યાંથી આવે આરો જીવા
રોજ નવો જન્મારો જીવા

ફરી ફરીને એ જ થવાનું
અહીંયા એવો ધારો જીવા

તારા પર વરસાદ પડે તો
ધૂળ થવાની ગારો જીવા

તારા ખેવટીયા ના કોઈ
પોતે પાર ઉતારો જીવા

સાંખીને સંભાળી લેજે
દેજે મા વર્તારો જીવા

માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો બધો પથારો જીવા


આ સિવાય બે લગ્ન ગીતો મિલિંદભાઈ એ લખ્યા – બન્ને અદભૂત…! એક પ્રેમજી મૂવી માટે અને બીજું મોંટુ ની બિટ્ટુ માટે…

મેં તો સુરજ ને રોપ્યો છે આંગણે, મારા ફળિયા ની કાંકરીઓ ઝળહળે રે લોલ…


ઘોળું ઘોળું સુરજ કેરા તેજ, અજવાળીની પીઠી તમને ચોળું માણારાજ..

Youtube લિંક મૂકી છે… Lyrics લખતો નથી કારણકે બન્ને ગીત સાંભળવા પડે એવા છે …! 😊


એક વિડિયો છે જેમાં Mitul કરીને એક અંધ છોકરો (અમદાવાદ અંધજન મંડળમાં) એક ગાલીબ ના શેર જેવી છોકરી સંભળાવે છે…


%d bloggers like this: