
ગઈકાલે હનુમાન જયંતી હતી અને આપણે બધા lockdown માં છીએ, અને મારા જીવનમાં મને ખૂબ જ ગમતી કેટલીક વાર્તાઓ માંથી એક વાર્તા યાદ આવી ગઈ…
બનવા જોગ ડી ડી 1 પર રામાયણ આવે છે એમાં પણ ગઈકાલે એ જ એપિસોડ ચાલતો હતો…
સીતા માતાને રામનો સંદેશો આપવા માટે કોણ જઈ શકે એ પ્રશ્ન અને એનો જવાબ હતો કે ફક્ત હનુમાન… અને ફક્ત હનુમાનને જ આ ખબર ન હતી…
દરિયાનાં કિનારે જાંબવન ત્યારે હનુમાનને યાદ કરાવે છે કે આ કઈંક કિલોમીટર લાંબો દરિયો તમારા માટે કશું નથી,
તમે તો એ છો જે નાના હતા ત્યારે સૂરજને ગળી ગયા હતા અને તમે ઇચ્છો તો એક જ છલાંગ માં દુનિયાનું ચક્કર લગાવી શકો છો…
पवन तनय बल पवन समाना।
बुधि बिबेक बिग्यान निधाना॥
कौन सो काज कठिन जग माहीं।
जो नहिं होइ तात तुम्ह पाहीं॥
એ કહે છે કે તમે પવનના પુત્ર છો અને જગતનું કોઈ કામ તમારા માટે અસંભવ નથી…
હનુમાનને એમની અંદર રહેલી શક્તિ, તેમની તાકાત જેનાથી હનુમાન પોતે અજાણ છે એ યાદ અપાવે છે અને પછી હનુમાન વિરાટ સ્વરૂપ ધારણ કરીને છલાંગ લગાવે છે અને પહોંચે છે દરિયો પાર કરીને પેલે પાર લંકામાં…
को नहीं जानत है जग में कपि,
संकटमोचन नाम तिहारो ॥
શું અદભુત વાત છે!
અને કેટલી બધી – આજની તારીખે, આજના દિવસે – રિલેવન્ટ વાત છે..!
આપણે બધા જ હનુમાન છીએ, રામ છીએ અને બીજું તો શું નથી પણ પ્રશ્ન એટલો જ છે કે આપણે જાણતા નથી…
અને તમારી અંદર રહેલી શક્તિનો સાક્ષાત્કાર બે રીતે થાય :
અથવા તો તમને જાંબવન સમજાવે, યાદ કરાવે
અથવા તો કોઈ એવી મુસીબત આવે અને પછી મનની ખુમારી, અંદર ની હિંમત ખુલે, અંદર બેઠેલા હનુમાન જાગે અને એક છલાંગ એવી લાગે કે દરિયો પાર થઈ જાય…
આપણો જાંબવન કોણ છે એ કદાચ ખબર નથી,
પણ આ lockdown, આ કોરોના, આ મહામારી એ પાકી એ મુસીબત છે જે આપણી અંદર રહેલા સંકટમોચનને ઊભા કરશે, ખુમારી જાગશે, તાકાત આવશે અને આજની અને આવનારી તકલીફોના કેટલાય દરિયા કૂદી જવાશે, પાર થઈ જશે…
માહેલો હનુમાન જાગશે , દીવાલો પર ઉતરેલા અંધારા ને ચીરતાં સુરજ જેવું મનોબળ જાગશે, એક નહીં આવા સો દરિયા કૂદી જવાની ખુમારી પેદા થશે એવો મારો પાક્કો વિશ્વાસ છે…
અને એજ શુભેચ્છા સાથે –
થઈ શકે તને પણ આત્મબોધ, સમય મળ્યો છે,
ભીતર રહેલા રામને તું શોધ, સમય મળ્યો છે…
One Reply to “સો દરિયા કૂદી જવાની ખુમારી”