ના કશે પહોંચી શક્યા – Bhavin Gopani

ના કશે પ્હોંચી શકયા હાંફી ગયાને એટલે,
ને અમે હાંફી ગયા બેસી ગયાને એટલે.

આપણે સાથે હતાં વરસાદમાં એ સાંજ બાદ,
કેટલું બળવું પડ્યું પલળી ગયાને એટલે.

કોઈ વટ માર્યો નથી કે શોક પણ પાળ્યો નથી ,
છે સફેદી, રંગ સૌ ઉતરી ગયાને એટલે.

મન અગર મક્કમ હશે પ્હોંચી શકાશે ક્યાંય પણ,
આ બધું બોલી શકો પ્હોંચી ગયાને એટલે.

સૂર્યનો ચ્હેરો ખરેખર શું હતો દેખી શક્યા!
આંખમાં અંધારને આંજી ગયાને એટલે.

ભાવિન ગોપાણી